Tuesday, October 19, 2010

એ પ્રેમ છે...

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

Saturday, September 18, 2010

મન થયું...

કોઈને બસ એમજ મળવાનું મન થયું,
એમ નમજ તેને જોયા કરવાનું મન થયું.

કોઈની સાથે એમજ ગણગણવાનું મન થયું,
એમ નમજ તેનું ગુંજન થવાનું મન થયું.

કોઈની સાથે એમજ ચાલવાનું મન થયું,
એમ નમજ તેનાં પગરવ થવાનું મન થયું.

કોઈની સાથે એમજ રહેવાનું મન થયું,
એમ નમજ તેમાં ભળી જવાનું મન થયું.

કોઈને બસ એમજ સાથ આપવાનું મન થયું,
એમ નમજ થોડુક જીવી લેવાનું મન થયું.

Sunday, August 29, 2010

પહેલો પ્રેમ અધુરો રહી ગયો...

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો 'પહેલો પ્રેમ અધુરો રહી ગયો'

Wednesday, August 25, 2010

આ તે કોણ રે !

અડધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે !

મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !

દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ રે !

ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે

Saturday, August 21, 2010

બદલું છું...

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,

ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.



રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,

બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.



સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,

દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.



પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,

કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.



સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,

દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

Thursday, August 19, 2010

મને ગમશે...

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે..

Wednesday, August 18, 2010

વાર નથી લાગતી..

સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે !
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી